Saturday 31 July 2010



પર્યાવરણ ક્ષેત્રે યોગદાન આપી શકાય તેવી પ્રવૃત્તિઓ :-

૧) સામુહિક વાવેતર માટે સ્થાનિક લોકોને પ્રોત્સાહિત કરવા, સામુહિક વાવેતરનું આયોજન કરાવવું અને વર્ષ દરમિયાન આ રોપાઓનું રક્ષણ કરવું અને પાણી આપવું.

૨) ઘરે ઘરે છોડની જરૂરિયાત જાતવાર ભેગી કરવી. છોડને લગાવવા માટેના સ્થળને અનુરુપ જે તે વ્યકિતને સૂચન કરવા અને વિભાગ સાથે આ રોપાઓ પહોંચાડવા માટેનું આયોજન કરવું

૩) ખુલ્લો કચરો બાળતા લોકોને સમજાવીને કચરામાંથી જૈવિક ખાતર બનાવવું.

૪) ધુમાડો રોકવા, બળતણ બચાવવા અને વાતાવરણના રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો. ચાર રસ્તા/ ક્રોસિંગ ઉપર એન્જીન બંધ કરવા અને બ્રેકનો ઉપયોગ ઘટાડવો.

૫) પર્યાવરણ સુરક્ષા માટે અને પાણી બચાવવા માટે લોકોમાં જાગૃતતા ઉભી કરવા માટેનું કામ


શું આપ નામ નોંધાવવા ઇચ્છો છો?


ઓનલાઈન રજીસ્ટ્રેશન :
http://gujarat-education.gov.in/education/samaydaan-paryavaran-guj.htm



Thursday 15 July 2010

પ્રદૂષણ..

બસ કરો કે શ્વાસ મુજ રૂંધાય છે,
રે, અહીં ઝેરી હવાઓ વાય છે.

સીઓટૂ, સી.એફ.સી. ને સલ્ફરો,
હર તરફ વાયુ પ્રદૂષણ થાય છે.

જળ મહીં મરતા હવે તો જળચરો!
કાં રસાયણ સાગરે ઠલવાય છે.

કોક દી', ગંગાનું જળ અમરત હતું!
બસ હવે તો માંદગી ફેલાય છે.

ધરતી-જળ દૂષિત ,કરે દૂષિત હવા,
રે, ઘડો તુજ પાપનો છલકાય છે.

ના ફિકર પર્યાવરણની આપને!
કેટલી લાગે, જો તમને હાય છે.

નિત વધે ઓઝોનનું બાકોરું,જો
કેટલા વર્ષો હવે જીવાય છે.

આંધળું છે દૂષણોનું આક્રમણ.
સંસ્કારો ક્યાં કશે દેખાય છે.

બસ જરી ઠંડક મળે ચેતન તને,
ભોગ આખી અવનીનાં લેવાય છે.



જય ગુર્જરી,
ચેતન ચંદુલાલ ફ્રેમવાલા.

વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગથી ચિંતિત છે ત્યારે વાપીની એક શાળાએ ઔષધિનો બાગ બનાવી પર્યાવરણની રક્ષા માટે વિદ્યાર્થીઓને નવી દિશા બતાવી છે. પર્યાવરણ અંગે વાપી અને જિલ્લાઓની ૨૬૫ જેટલી શાળાઓના ઇકો કલબ પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પર્યાવરણ અંગે બાળકોમાં નાનપણથી જ જાગૃતિ આવે અને વૃક્ષોની ઓળખ તેમનું મહત્વ અને ભારતની ૩૫૦૦ વર્ષ જુની ઔષધીય શાસ્ત્રોથી વર્તમાન અને ભાવિ પેઢી માહિતગાર એ આશયથી શાળા કક્ષાએથી ઇકો કલબની સ્થાપના કરવામાં આવી છે.
.

શાળાઓમાં તૈયાર થયેલા ઔષધીય બાગોમાં ઔષધીય વૃક્ષો રૂપી તેના ઉછેર અને તેના જતન તરફ પૂરતું ધ્યાન અપાય છે. માધ્યમિક કક્ષા બાદ ૨૦૦૭થી પ્રાથમિક કક્ષાએ પણ ઇકો કલબનું યુનિટ ફાળવવામાં આવ્યું છે. કેન્દ્ર કક્ષાએથી થતા ઇકો કલબનું સંચાલન ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં આ કામગીરી ગુજરાત ઇકોલોજીલ એજ્યુકેશન અને વીર ફાઉન્ડેશન કરવામાં આવે છે.

જિલ્લા કક્ષાએ કોર્ડિનેટર અને શાળા કક્ષાએ ઇકો કલબ ઇન્ચાર્જ શિક્ષકની નિમણુંક કરાઇ છે. વન વિભાગનું પણ સહયોગ પ્રાપ્ત થાય છે. ઇકો કલબ દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતાના જન્મ દિને શાળાના બાગમાં એક છોડ રૂપે અને શાળા સમય દરમિયાન તેનું જતન કરે તેવા શરૂ કરેલ પ્રયાસોને પણ સફળતા મળી છે .જમીનના અભાવે વાપી અને વલસાડ સહિત કેટલીક શાળાઓમાં અગાસી ઉપર કુંડાઓમાં ઔષધીયોનો ઉછેર કરવામાં આવ્યો છે.

ઇકો કલબની રચના

આરજીએસ હાઇસ્કૂલમાં ૧૫૪ જાતની ઔષધીય વનસ્પતિઓનું બાગ ઇકો કલબ દ્વારા બનેલ છે. પર્યાવરણ સુરક્ષા માટે સમાજમાં સભાનતા ઉભી કરવી અને આવનારી પેઢી પર્યાવરણીય મૂલ્યોને જાણે, સમજે અને વિચારે એ ઉદ્દેશ સાથે ઇકો કલબની રચના કરવામાં આવી છે.
- કનુભાઇ પટેલ, જિલ્લા કોર્ડિનેટર ઇકો કલબ